શુક્રવાર, 15 જુલાઈ, 2011

બોરડીનો કાંટો

બોરડીનો કાંટો કેવો નખોદિયો તે જટ્ટ દઈ અંગૂઠે વાગ્યો,
રોમે રોમ વેદનાઓ એવી જાગી ને પછી તાજી યાદોને રંગ લાગ્યો.

હળવેક હળવેક હું તો તો ખેતરના ચાસમાં
લીલોછમ્મ મોલ જોઈ મ્હાલું,
બાજરીના ડૂંડા પર ઉડતું પતંગિયું
હોઠોને ચૂમી લેતું, વ્હાલું !

ઝાકળનો સ્પર્શ મને ગમતો નથી પીયુનો સંગ કેવો માંગ્યો,
બોરડીનો કાંટો કેવો નખોદિયો તે જટ્ટ દઈ અંગૂઠે વાગ્યો,

છાતીએ છુંદાવેલી કોયલના ટહૂકો
હૈયાને ઊંડે ઊંડે વીંધે,
ચૂંદડી યૌવનની સરકી જઈ ને પછી
પીયુ મિલનનો રાહ ચીંધે.

આસો મહિનો મુને લાગે છે આકરો દિવાળીનો દીપ હવે જાગ્યો,
બોરડીનો કાંટો કેવો નખોદિયો તે જટ્ટ દઈ અંગૂઠે વાગ્યો,

વિજય ચલાદરી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો