સોમવાર, 14 મે, 2012


ગીત: માતૃભાષા ગુજરાતી

 

માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.

રાસ, ફાગુ ને ગરબીમાં યૌવન હોંશે ખીલ્યું,
પદ, આખ્યાન ને છપ્પામાં જ્ઞાન અમેં તો ઝીલ્યું.
બહુ રમ્યા, બહુ ગમ્યા, આ તો ભાષા ગુજરાતી,
માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.

ગીત, ગઝલ ને સૉનેટમાં પ્રેમની વાતો કીધી,
નવલિકા ને નવલકથામાં લક્ષ્યમાં આંગળી ચીંધી.
બહુ ખીલ્યા, બહુ ઝીલ્યા, આ તો ભાષા ગુજરાતી,
માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.

ખંડકાવ્ય કેરા શબ્દોમાં પ્રેમ અમીરસ પીધો,
નાનકડા હાઈકુમાં કેવો જીવનમર્મ વણી લીધો !
બહુ બોલ્યા, બહુ તોલ્યા, આ તો ભાષા ગુજરાતી,
માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.

નિબંધ કેરા શબ્દોમાં થયાં નિત નવાં નવાં દર્શન,
લઘુકથા કેરા ભાવોમાં અડગ રહ્યું 'તું મન.
બહુ જોયું, બહુ જાણ્યું, આ તો ભાષા ગુજરાતી,
માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.

અવનવા લોકો આવ્યા જોડણી બગાડવાને,
મોટી મોટી ડીગ્રીઓ સાથે ઢોલકી વગાડવાને.
ન જામ્યા, ન પામ્યા, આ તો ભાષા ગુજરાતી,
માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.

~ વિજય ચલાદરી

કવિતા: ક્રોસ














વર્ષો વીતી ગયાં
પણ
એક વાતનું
મને
દુ:ખ થાય છે
ભગવાન ઇશુને
ક્રોસ પરથી
નીચે
કોણ ઉતારશે !?
~ વિજય ચલાદરી

ગીત: રણની અંદર


મૃગજળ પાછળ દોડ્યા કરતું મનડું થાકી જાતું,
રણની અંદર સમણાં વાવું તનડું પાકી જાતું.

પગલાં જાણે વર્ષો જૂનાં
વિયોગથી ભૂસાતાં,
સૂરજના પ્રકોપમાં આજે
યાદનાં આંસુ રાતાં.

રોજ બિચારી ડમરી કરતી એકલતાની વાતું,
મૃગજળ પાછળ દોડ્યા કરતું મનડું થાકી જાતું.

કૈંક આવીને ગયા અહીંથી
બોલ્યા ન કાંઈ વાણી,
ભટકી ભટકી ભવને ભૂલ્યા
મળ્યું ક્યાંય ન પાણી.

ઉપર આકાશ જોયા કરતું, નેહથી ઊભરાતું,
મૃગજળ પાછળ દોડ્યા કરતું મનડું થાકી જાતું.
~ વિજય ચલાદરી

   ગીત: આવજો














આવજો કહેવાનું બાકી રહી ગયું રે લોલ
જોઈ રહ્યો 'તો તારું મુખ રે
આવજો કહેવાનું બાકી રહી ગયું રે લોલ

તારુ આપેલ ફૂલ ગમતું રે લોલ
આપી દીધું તને દિલ રે
આવજો કહેવાનું બાકી રહી ગયું રે લોલ

સ્વપ્નાં જોઉં છું અડધી રાતનાં રે લોલ
બેશું છું તારી પાસ રે
આવજો કહેવાનું બાકી રહી ગયું રે લોલ

આપણ બન્ને કંઈ ન બોલ્યાં રે લોલ
આંખોએ કહી દીધી વાત રે
આવજો કહેવાનું બાકી રહી ગયું રે લોલ

વિખુટા પડવાના દન આવિયા રે લોલ
દિલમાં ભરાયું એવું દર્દ રે
આવજો કહેવાનું બાકી રહી ગયું રે લોલ

અમેં પંખીડાં પ્રેમનાં રે લોલ
અહીંથી ઊડીને જાશું દૂર રે
આવજો કહેવાનું બાકી રહી ગયું રે લોલ
                   ~ વિજય ચલાદરી

ગીત: આ વરસાદ કેમ નથી ગાતો ?


વરસ તારે વરસવું હોય તો તરસી છે આ ધરતી,
તું આવે તો આવી જશે નદીયુંમાં પછી ભરતી.

ભડકે બાળી નાખ્યા છે અમને એવી પડે છે ગરમી,
આવે તો તું હવાને લાવજે એવું કહે છે મરમી.

પ્હાડ તો વાદળને પૂજે આવો હવે અમ મળવા,
વિયોગ હવે સહી ન શકીએ આવોને દિલમાં ભળવા.

વૃક્ષો જાણે તરસ્યાં ઊભાં વાતો નથી કંઈ કરતાં,
ખૂલ્લા ગગનને જોઈ જોઈને અગનજ્વાળાએ બળતાં.

પંખી બિચારાં માળામાં પુરાઈ કરે છે છાની વાતો,
આપણે તો કલબલાટ કરીયે આ વરસાદ કેમ નથી ગાતો ?
~ વિજય ચલાદરી

¤ પ્રાર્થના ¤


ભૂલો પડ્યો છું આ દુનિયામાં રસ્તો મને બતાવો,
પ્રભુજી, મારે દ્વારે આવો.

વૃક્ષડાળે પંખી બેસે કરતાં આનંદની લ્હાણી,
મુજ હૈયાને શું ડંખ્યું છે વહેતું આંખે પાણી.
આંસુની તમે ભાષા સમજો (૨) દુ:ખથી મને બચાવો
પ્રભુજી, મારે દ્વારે આવો.

આંખો મારી સારું જૂએ, સાંભળે કાન સારું,
મુખમાંથી મીઠી વાણી, જીવન થાય પ્યારું.
સદ્ગુણોને અર્પણ કરો (૨) દૂર્ગુણોને ભગાવો
પ્રભુજી, મારે દ્વારે આવો.
~ વિજય ચલાદરી

ગીત: મહાસફાઈ


મનની કરી લે સફાઈ મુસાફિર મનની કરી લે સફાઈ
પળમાં આવ્યા પળમાં જવાનું ગીત મજાનું ગાઈ
મુસાફિર મનની કરી લે સફાઈ

બારી, બારણાં હ્રદયનાં ખોલી પોતું પ્રેમનું લગાવો,
તણખે તણખું દુર્ગુણોનું વીણી વીણી સળગાવો.
મન ચોખ્ખું તો તન ચોખ્ખું થવાનું મારા ભાઈ,
મુસાફિર મનની કરી લે સફાઈ.

હાથમાં ઊભું ઝાડું પકડ્યું, સાવરણી કેવી સુવાળી,
શેતરંજી ખડખડાટ હસતી, કલ્પના મારી નિરાળી.
પ્રાર્થનાના શબ્દે શબ્દે થઈ સ્નેહની સગાઈ
મુસાફિર મનની કરી લે સફાઈ

શિક્ષણ સાથે કેળવણી આપે જીવન ઘડતર કરવા,
સમૂહ જીવન જીવતાં શીખવે એકબીજાને સમજવા.
વિદ્યાપીઠ કરાવે આજે કરી લે મહાસફાઈ
મુસાફિર મનની કરી લે સફાઈ
                                                                        ~ વિજય ચલાદરી