રવિવાર, 5 ફેબ્રુઆરી, 2012

ગીત: ચલાદરીની ચાલે







ગીત: ચલાદરીની ચાલે

શબ્દરસ પીવાને ચાલ્યો ચલાદરીની ચાલે,
લયના હિલોળે અંગ મરડે શબ્દ નવા નવા તાલે.

શબ્દ ગરજતો શબ્દ વરસતો
શબ્દ પડઘા પાડે,
ઊંચા ઊંચા પ્હાડો પરથી
શબ્દ આવતો આડે.

ખળ ખળ વહેતી સરિતા સંગે શબ્દ કેવો મ્હાલે !
શબ્દરસ પીવાને ચાલ્યો ચલાદરીની ચાલે.

શબ્દ સૃષ્ટિ શબ્દ ઇશ્વર
શબ્દ આપણી ગીતા,
ઉપર-નીચે અંદર-બહાર
શબ્દ સ્વયમ્ કવિતા.

કોમળ કોમળ શબ્દ કેવો ખંજન એના ગાલે,
શબ્દરસ પીવાને ચાલ્યો ચલાદરીની ચાલે.
~ વિજય ચલાદરી

ગીત: અક્ષર એના અકબંધ




ગીત: અક્ષર એના અકબંધ

છાતી સરસી ચોપડી ચાંપી આંખો કરી બંધ,
પાને પાનાં અંદર ખૂલ્યાં અક્ષર એના અકબંધ.

શબ્દે શબ્દે ઝરણાં ફૂટ્યાં
વહેતાં ખળખળ નાદે,
પર્વત પર્વત ખીણ ખીણ
રમતાં કોકિલ સાદે.

વણચાખ્યાં સ્વપ્નાં તૂટ્યાં સાચવી કેવો સંબંધ !
પાને પાનાં અંદર ખૂલ્યાં અક્ષર એના અકબંધ.

ધક ધક ધડકતા હૈયામાં
લાગણીના થર જામ્યા,
યાદો ભરીને મોજાં ઊછળ્યાં
માછલીએ કર થામ્યા.

દરિયો આખો રેતમાં ન્હાતો, કિનારા બન્યા અંધ,
પાને પાનાં અંદર ખૂલ્યાં અક્ષર એના અકબંધ.
~ વિજય ચલાદરી

ગીત: સુહાગરાત

ગીત: સુહાગરાત

ખૂલ્લું હતું બારણું ને ખૂલ્લી આખી રાત,
પચ્ચીસમે વરસે ઘૂંઘટ ખોલ્યો પ્હેલી મુલાકાત.

એની અંદર કોયલ ટહૂકે
મારી અંદર મોર,
યૌવન કેરી ડાળે ડાળે
મીઠપનો કલશોર.

મૌન કેરા શબ્દો ગૂજ્યા જાગી આખી રાત,
પચ્ચીસમે વરસે ઘૂંઘટ ખોલ્યો પ્હેલી મુલાકાત.

હોઠોની વાત હોઠે કીધી
આંખોની વાત આંખે,
આકાશ-પાતાળ એક કરેલું
સ્નેહ ભરેલી પાંખે.

જામ ભરેલી નીરખી લીધી પીધી આખી રાત,
પચ્ચીસમે વરસે ઘૂંઘટ ખોલ્યો પ્હેલી મુલાકાત.
~ વિજય ચલાદરી

ગીત: પ્રેમનું પાન




ગીત: પ્રેમનું પાન

હૈયું ધડકે, અશ્રુ ટપકે, વેદનામાં ભૂલી ભાન,
હૈયું બન્યું છે વેરાન !

કૈંક અંધારે બેસી
વાતો અધૂરી મેલી,
કરવી હતી પૂરી વાતો
ખૂલી મૂકી ડેલી.

સુનકાર સહી સહીને ધીરે ધીરે વહેતું ગાન,
હૈયું બન્યું છે વેરાન !

બાળપણની પ્રીત આપણી
પડછાયાની રીત,
હીંચકા ખાતાં ડાળે ઝૂલતાં
પાને પાને સ્મિત.

વીતેલી વેળા ખોતરતાં થઇ જતી સભાન,
હૈયું બન્યું છે વેરાન !

કળી કળી ખીલી ઊઠી
પાલવ હવે શરમાય,
નમી ચૂકી પુષ્પો થકી
યૌવન ન સહેવાય.

રાત-દિન સતાવે યાદો કરવા પ્રેમનું પાન,
હૈયું બન્યું છે વેરાન !
~ વિજય ચલાદરી

ગીત: દિલમાં દીપક જગાવો




ગીત: દિલમાં દીપક જગાવો

દિલમાં દીપક જગાવો
તમે સૌ દિલમાં દીપક જગાવો

હૈયાના પ્રત્યેક લયને લાગણી સહ વહાવો
દિલનાં સૌ દરવાજા ખોલી પ્રેમથી આત્મા નવરાવો
તમે સૌ દિલમાં દીપક જગાવો

ભૂલને સુધારી ભવને સુધારો જીવન મધુર બનાવો
મધુર વાણી, સુંદર વર્તન સૌને આનંદ અપાવો
તમે સૌ દિલમાં દીપક જગાવો

ચંચળ મનને સ્થિર કરવા યોગને અપનાવો
પુસ્તકોના વાચ્યમનનથી જીવન સાર્થક બનાવો
તમે સૌ દિલમાં દીપક જગાવો

અંધકારથી મુક્ત બનીને જ્ઞાન પ્રકાશ ફેલાવો
ગુરુના ચરણોમાં બેસી ગીત મજાનાં ગાવો
તમે સૌ દિલમાં દીપક જગાવો
~ વિજય ચલાદરી

ગીત: કા'ન તારી વાંસળી

ગીત: કા'ન તારી વાંસળી

કા'ન તારી વાંસળીને જોરથી વગાડ મા,
મારા હૈયામાં ભડકેલી આગને જગાડ મા.

ગોપીઓની સંગે તું રાસની રમતું રમે,
વાસળીના સૂરથી ગોપીઓને તું ગમે.
મારી સુતેલી આંખોનાં પોપચાં ઉઘાડ મા,
કા'ન તારી વાંસળીને જોરથી વગાડ મા.

આંખોનાં આંસુ મારું સખીપણું સાચવે,
જમનાનાં જળ અહીં કરશે શું હવે ?
મારા મનમાં જાગેલા ઓરતા જગાડ મા,
કા'ન તારી વાંસળીને જોરથી વગાડ મા.

પરદેશથી આવશે મારા પીયુંની પ્રેમચિઠ્ઠી,
હું તો મારા પીયું સંગ ગોઠડી કરીશ મીઠ્ઠી.
મારી રાત્યુંની રાત્યુંને આમ તું બગાડ મા,
કા'ન તારી વાંસળીને જોરથી વગાડ મા.
~ વિજય ચલાદરી

ગીત: સોળ વરસની થયા પછી



ગીત: સોળ વરસની થયા પછી

વગડે વાય વાયરો પછી પાંદડે પાંદડું મલકે
સોળ વરસની થયા પછી યૌવન એનું છલકે.

માથે મૂકી મટકી ને
પાણીડાં ભરવા જાય,
પાણીડાંનું તો કે'વું શું ?
ઊભે રસ્તે છલકાય.

જોઈ રહ્યું 'તું દૂર ઊભુ કોઈ પાંપણના એક પલકે,
સોળ વરસની થયા પછી યૌવન એનું છલકે.

નદીની જેમ વહેતું મૂકે
ફૂલડા જેવું મન,
એકબીજાને મળતાં જોઇ સળગે આખુ તન.

ઊંડે ઊંડે ભરતી આવે ઓટ પાછી ત્યાં વળકે,
સોળ વરસની થયા પછી યૌવન એનું છલકે.

આંગળી કેરા વેઢા ગણતાં
વર્ષો વીતી જાય,
રાત હોય કે દિવસ
એનું સ્મિત આછુ વેરાય.

પૂનમરાતે ઝૂલ્ફો એની તારોડિયાં જેમ ચળકે,
સોળ વરસની થયા પછી યૌવન એનું છલકે.
~ વિજય ચલાદરી

ગીત: વસંતરસ



ગીત: વસંતરસ

આ ઋતુ ઋતુ તો ફૂલ ફૂલ પર નામ લખીને ચાલી !
વસંતરસના પ્રણયકાળની ભરી છે મેં પ્યાલી !

આંબાડાળે કોકિલ ટહૂકે
લચકે એનો મૉર,
પુષ્પડાળે ભ્રમર ડોલે
લાગે ચિતનો ચોર.

નયને નિહાળી કોમળ કળીને થઈ ગયો હું ન્યાલી !
આ ઋતુ ઋતુ તો ફૂલ ફૂલ પર નામ લખીને ચાલી !

જળ હળ થાતા જળની ઉપર
કમળ ખીલ્યું છે તાજું,
મંદ મંદ વાયુની સંગે
ગીત મજાનું ગાતું.

પંખીના કલરવથી જાણે કોઈ ડાળ હોય ન ખાલી !
આ ઋતુ ઋતુ તો ફૂલ ફૂલ પર નામ લખીને ચાલી !
~ વિજય ચલાદરીગીત: વસંતરસ

આ ઋતુ ઋતુ તો ફૂલ ફૂલ પર નામ લખીને ચાલી !
વસંતરસના પ્રણયકાળની ભરી છે મેં પ્યાલી !

આંબાડાળે કોકિલ ટહૂકે
લચકે એનો મૉર,
પુષ્પડાળે ભ્રમર ડોલે
લાગે ચિતનો ચોર.

નયને નિહાળી કોમળ કળીને થઈ ગયો હું ન્યાલી !
આ ઋતુ ઋતુ તો ફૂલ ફૂલ પર નામ લખીને ચાલી !

જળ હળ થાતા જળની ઉપર
કમળ ખીલ્યું છે તાજું,
મંદ મંદ વાયુની સંગે
ગીત મજાનું ગાતું.

પંખીના કલરવથી જાણે કોઈ ડાળ હોય ન ખાલી !
આ ઋતુ ઋતુ તો ફૂલ ફૂલ પર નામ લખીને ચાલી !

~ વિજય ચલાદરી

બુધવાર, 1 ફેબ્રુઆરી, 2012

ગઝલ: જામ મારા હાથમાં



ગઝલ: જામ મારા હાથમાં

એ જ સામે આવતાં અચકાય છે,
જીવ મારો આજ પણ અટવાય છે.

કેમ સમજી ના શક્યો હું એમને !
દર્દ કેવાં આજ ઊભાં થાય છે.

ઝંખનાઓ ઝંખના જ રહી ગઈ,
વાદળી વરસ્યા વિના વહી જાય છે.

હસ્તરેખા સાવ સૂની લાગતી,
આંખમાંથી આંસુડાં ઉભરાય છે.

એ નદીમાં નાવ તરતી જોઇને,
જામ મારા હાથમાં છલકાય છે.
~ વિજય ચલાદરી
(શબ્દસર, ઑક્ટોમ્બર-૨૦૦૮)