સોમવાર, 14 મે, 2012

ગીત: માતૃભાષા ગુજરાતી

માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.

રાસ, ફાગુ ને ગરબીમાં યૌવન હોંશે ખીલ્યું,
પદ, આખ્યાન ને છપ્પામાં જ્ઞાન અમેં તો ઝીલ્યું.
બહુ રમ્યા, બહુ ગમ્યા, આ તો ભાષા ગુજરાતી,
માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.

ગીત, ગઝલ ને સૉનેટમાં પ્રેમની વાતો કીધી,
નવલિકા ને નવલકથામાં લક્ષ્યમાં આંગળી ચીંધી.
બહુ ખીલ્યા, બહુ ઝીલ્યા, આ તો ભાષા ગુજરાતી,
માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.

ખંડકાવ્ય કેરા શબ્દોમાં પ્રેમ અમીરસ પીધો,
નાનકડા હાઈકુમાં કેવો જીવનમર્મ વણી લીધો !
બહુ બોલ્યા, બહુ તોલ્યા, આ તો ભાષા ગુજરાતી,
માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.

નિબંધ કેરા શબ્દોમાં થયાં નિત નવાં નવાં દર્શન,
લઘુકથા કેરા ભાવોમાં અડગ રહ્યું 'તું મન.
બહુ જોયું, બહુ જાણ્યું, આ તો ભાષા ગુજરાતી,
માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.

અવનવા લોકો આવ્યા જોડણી બગાડવાને,
મોટી મોટી ડીગ્રીઓ સાથે ઢોલકી વગાડવાને.
ન જામ્યા, ન પામ્યા, આ તો ભાષા ગુજરાતી,
માતૃભાષા ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી.

~ વિજય ચલાદરી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો