સોમવાર, 14 મે, 2012


ગીત: રણની અંદર


મૃગજળ પાછળ દોડ્યા કરતું મનડું થાકી જાતું,
રણની અંદર સમણાં વાવું તનડું પાકી જાતું.

પગલાં જાણે વર્ષો જૂનાં
વિયોગથી ભૂસાતાં,
સૂરજના પ્રકોપમાં આજે
યાદનાં આંસુ રાતાં.

રોજ બિચારી ડમરી કરતી એકલતાની વાતું,
મૃગજળ પાછળ દોડ્યા કરતું મનડું થાકી જાતું.

કૈંક આવીને ગયા અહીંથી
બોલ્યા ન કાંઈ વાણી,
ભટકી ભટકી ભવને ભૂલ્યા
મળ્યું ક્યાંય ન પાણી.

ઉપર આકાશ જોયા કરતું, નેહથી ઊભરાતું,
મૃગજળ પાછળ દોડ્યા કરતું મનડું થાકી જાતું.
~ વિજય ચલાદરી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો