સોમવાર, 27 એપ્રિલ, 2015

ગીત: રીંગણના રોપાને રોપતી નાયિકાનું ગીત



રીંગણના રોપાને રોપવાને ગઈ એમાં રોપાઈ ગયું છે મારૃં સ્મિત,
એનું લીલુછમ લીલુછમ ગીત.


વરસાદી ફોરાંમાં ભીંજાતાં ભીંજાતાં
ભુલી જવાય આખુ ભાન,
આંખો મીંચાય, પછી ટહૂકા સંભલાય
પછી જાગે છે મારામાં રાન.


દરિયામાં હોય કે હોય ભલે સરિતામાં મારામાં ઉછળવાની રીત,

એનું લીલુછમ લીલુછમ ગીત.
આંગળીમાં પહેરેલી વીંટી જોઉં ને
પછી માપુ હૈયાનો ધબકાર,
વાંકી વળીને પાછી વેઢા ગણું
મારે સપને આવ્યાનો અણસાર.


ખેતરમાં હોઉં કે હોઉં ભલે ઘરમાં છુપાવી છુપાય નહિ પ્રીત,
એનું લીલુછમ લીલુછમ ગીત.


~ વિજય ચલાદરી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો